વનરાંના બાળકો જનની પ્રત્યે
ભૂખ્યા તરસ્યા અમે તો હતા છીપાવે કોણ ભવોની તૃષા
અટૂલા એકલા ભૂલકા સૂણે કોણ અમ કાલી વાચા (૨)
સહી શકે શીદ ભૂલકાઓ વિમુખ દૃષ્ટિ આ જનનીની
અમે તો પ્રેમમાં નાહ્યા હવે છૂટે ન તુજ અંગુલિ
જગતની ભૂલભૂલામણીમાં અંગુલિ ઝાલી જનનીની
પરમતૃપ્તિ માણી કૂખે સૂતા નિશ્ચિતે સોડ તાણી
ભૂખ્યા તરસ્યા અમે તો હતા છીપાવે કોણ ભવોની તૃષા
અટૂલા એકલા ભૂલકા સૂણે કોણ અમ કાલી વાચા
જનનીની આંગળીએ અહો કમાડો પ્રેમના ખુલ્યા
અહોહો આ શું ચમત્કાર અમી દૃષ્ટિની શક્તિ અપાર
વસ્તુ સ્વભાવ જ્યાં દીસ્યો સહુબાળ (ભૂલકાઓ) સમાણા ત્યાં
ત્રિવેણી સંગની જ્ઞાન ગંગ વહે પ્રત્યેકના હૃદયે
ભૂખ્યા તરસ્યા અમે તો હતા છીપાવે કોણ ભવોની તૃષા
અટૂલા એકલા ભૂલકા સૂણે કોણ અમ કાલી વાચા
વસ્તુ વિમુખ જરીકે થાય હૃદય ફફડી મરી કચવાય
વસ્તુ સન્મુખ જ્યાં થાતા હૃદય ભાવો ખુલી ત્યાં જાય
જુઓ ભૂલકા જનની આજ સમાણી અમ હૃદય ગુફે
છીપાશે નિશ્ચયે અમ તૃષા જ્યાં વત્સલ માતૃપ્રેમ વહ્યો
ભૂખ્યા તરસ્યા અમે તો હતા છીપાવે કોણ ભવોની તૃષા
અટૂલા એકલા ભૂલકા સૂણે કોણ અમ કાલી વાચા
અમે જે માણી તૃપ્તિ સદા વંચિત કેમ જગ રહે હવે
અસીમિત ના હોય માતૃપ્રેમ જ્યાં ભૂલકા ત્યાં સ્ત્રોત વહે
જગતમાં જોટો ના જડે અમ જનનીના પ્રેમ તણો
જે માણે તે જ તે જાણે શબદું પણ પંગું ત્યાં જ બને
ભૂખ્યા તરસ્યા અમે તો હતા છીપાવે કોણ ભવોની તૃષા
અટૂલા એકલા ભૂલકા સૂણે કોણ અમ કાલી વાચા